ગુજરાતની 75 ટકા મગફળી, 70 ટકા કપાસ સૌરાષ્ટ્રમાં, વાવણીના શ્રીગણેશ

10-06-2025

Top News

ખરીફમાં 86 લાખ પૈકી 43 લાખ હે.માં મગફળી-કપાસ વવાય છે

ગુજરાતમાં ખેતીની ત્રણ સીઝનમાં સૌથી વધુ વાવેતર ખરીફ ઋતુમાં થાય છે અને ખરીફમાં આશરે ૨૦ જેટલા કૃષિપાકોમાં સૌથી વધુ વાવેતર મગફળી અને કપાસનું થાય છે. સરેરાશ ૮૯ લાખ હે.માં વાવણી થાય તેમાં પચાસ ટકા એટલે કે ૪૩ લાખ હે.માં આ બે પાક લેવાય છે અને રાજ્યમાં મગફળીનું ૭૫ ટકા અને કપાસનું ૭૦ ટકા વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં થતું રહ્યું છે. આમ અતિ મહત્વના પાકની વાવણીનો ભીમ અગિયારસ સાથે શુભારંભ થયો છે. આજ સુધીમાં ૬૫ હજાર હેક્ટરમાં મગફળી-કપાસના બીજ રોપાયા છે.

અષાઢી બીજ સુધીમાં સચરાચર વરસાદની આશા સાથે બીજ રોપાવા માંડ્યા, જુવાર, મકાઈ, તલ, મગનું વાવેતર પણ શરુ

ગત વર્ષની આ ચોમાસુ (ખરીફ) સીઝનમાં ગુજરાતમાં કુલ ૧૯.૦૮ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું તે પૈકી સૌરાષ્ટ્રમાં ૧૪.૯૪ લાખ હેક્ટર એટલે કે ૭૫ ટકા થયું હતું. જ્યારે ગુજરાતમાં ગત વર્ષે ૨૩.૭૧ લાખ હેક્ટરમાં વવાયેલા કપાસમાં ૧૬.૯૬ લાખ હેક્ટરમાં વાવણી (૭૦ ટકા) સૌરાષ્ટ્રમાં થઈ હતી. વર્ષોથી સૌરાષ્ટ્રના ખેડૂતો આ બન્ને પાકના ઉત્પાદનમાં ગુજરાતમાં જ નહીં પરંતુ, દેશમાં અગ્રેસર રહ્યા છે.

ગત સપ્તાહમાં રાજકોટ જિ.માં ૧૧,૦૦૦, સોમનાથ જિલ્લામાં ૯૩૦૦ હે. સહિત સૌરાષ્ટ્રમાં ૨૯,૫૦૦ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને સૌરાષ્ટ્રનું કુલ વાવેતર ૩૧, ૧૦૦ હે. માં થયું છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧૦૦ હે., બોટાદ જિલ્લામાં ૭૩૦૦ હે. સહિત સૌરાષ્ટ્રમાં ૨૨, ૨૦૦ હેક્ટરમાં અને રાજ્યનું કૂલ ૨૪ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. કચ્છ જિલ્લામાં પણ કપાસ અને મગફળીની વાવણીનો આરંભ થયો છે.

ચાલુ વર્ષે મગફળીનું વિક્રમજનક પર લાખ ટન ઉત્પાદન થયું હતું અને તેના પગલે સરકારે પચીસ ટકા જેટલી ખરીદી છતાં મગફળીના ભાવ બજારમાં રૂ।.૧૨૦૦ આસપાસ જળવાતા સિંગતેલના ભાવ ત્રણ વર્ષની નીચી સપાટીએ ૧૫ કિલો ડબ્બાના રૂા.૨૪૦૦ આસપાસ રહ્યા છે અને આજે પણ રૂા.૨૩૦૦-૨૩૫૦ના ભાવે સોદા પડયા હતા. ભાવ નીચી સપાટીએ જળવાતા સિંગતેલનું સ્થાનિક ખરીદ-વેચાણ પણ વધ્યું છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates