સાવધાન! ટ્રાયકોડર્મા પાઉડરનું ફરીદાબાદ અને ગાંધીનગરનાં લાયસન્સ વિના સરેઆમ વેચાણથી ચકચાર

23-06-2025

Top News

કૃષિ યુનિ. દ્વારા જ ખેડૂતોનું અહિત, ફૂગનાશક પાઉડરનું ગેરકાયદે વેંચાણ

ખેડૂતોનું હિત કરવાની અને કૃષિ વિષયક નવાં- નવાં સંશોધન કરવાની જેની જવાબદારી છે તે સરકારી સંસ્થા દ્વારા જ ખૂદ સરકારનાં જ નીતિ- નિયમોને નેવે મુકી ગેરકાયદેસર જૈવિક ફુગનાશક પાઉડર બનાવી તેનું વેંચાણ શરૂ કરી દેવાયાનું બહાર આવ્યું છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ ફૂગના નાશ માટે તથા જમીનમાં આવતા સૂકારાનાં નિરાકરણ માટેનો ટ્રાયકોડર્મા નામનો પાઉડર વેંચવાનું શરૂ કરી દીધુ છે. વાસ્તવમાં, આ પાઉડર વેંચવા માટે સરકારના અલગ-અલગ લાયસન્સ જરૂરી હોય છે, જે તેની પાસે નથી.

ખેતીની જમીનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે, જેના નિરાકરણ માટે અનેક ચીજવસ્તુઓ ઉપયોગમાં લેવી પડે છે. ખેડૂતો છેતરાય નહી તે માટે અલગ-અલગ સરકારી એજન્સીઓનાં લાયસન્સ જરૂરી હોય છે. આ માટે વર્ષ ૧૯૬૪માં પેસ્ટીસાઈડ એક્ટ અમલમાં લાવવામાં આવ્યો છે. ટ્રાયકોડર્મા નામનો જૈવીક ફુગનાશક પાઉડર બનાવી વેંચવા માટે સીઆઈબીઆરસી-ફરીદાબાદમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેનું લાયસન્સ મેળવવું પડે છે. આ લાયસન્સ મળ્યા બાદ ગાંધીનગર ખાતેથી મેન્યુફેક્ચરીંગ લાયસન્સ મળે છે. આ બંને લાયસન્સ મળ્યા બાદ તેનું વેંચાણ થઈ શકે છે. સીઆઈબીઆરસીના લાયસન્સ માટે અંદાજિત પ૦ લાખથી વધુનો ખર્ચ થાય છે અને ૩ વર્ષથી વધુનો સમય લાગે છે.

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી પાસે હાલમાં આ બેમાંથી એકપણ લાયસન્સ ન હોવા છતાં ટ્રાયકોડર્મા પાઉડરનું વેંચાણ શરૂ કરી દીધુ છે. એક કિલોના પેકિંગમાં પાઉડરનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ કૃષિ યુનિવર્સિટી પાસે આ અંગેનું લાયસન્સ હતું ત્યારે ટ્રાયકોડર્મા પાઉડરનું વેંચાણ કરવામાં આવતું હતું. લાયસન્સની મુદ્દત પુરી થઈ ગયા બાદ રિન્યુ કરાવવા માટે વર્ષ ર૦૧૮-૧૯માં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ સુધી કૃષિ યુનિ.ને ટ્રાયકોડર્મા પાઉડર વેંચવાનું લાયસન્સ મળ્યું નથી. આ પાઉડર લાયસન્સ ન હોવાથી અગાઉ વેંચાણ કરવામાં ન આવતો અને જે પાઉડર બને તેને યુનિવર્સિટીની જમીનમાં પ્રયોગ માટે વાપરવામાં આવતો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ માટે દરરોજ ૪૦૦થી પ૦૦ કિલો પાઉડર બનાવવામાં આવે છે. છેલ્લા થોડા દિવસોથી લાયસન્સ વગર ગેરકાયદેસર પાઉડરનું વેંચાણ ધમધમતું થઈ ગયું છે. 

બિલ મુજબ પાઉડરનો ટ્રેડમાર્ક અલગ

આ પાઉડર ખેડૂતો લેવા જાય તો તેને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેશ મેમોમાં ૭૦ રૂપિયાનો કિલો લેખે આપી તેને પહોંચ આપવામાં આવે છે. આ પહોંચમાં ગીર સાવજ ટ્રાયકોડર્મા તેવો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે જે પેકિંગ આપવામાં આવે છે તે સાવજ ટ્રાયકોડર્મા નામના પાઉડરનું પેકિંગ આપે છે. આ મુદ્દો પણ શંકાસ્પદ મનાય છે. આ ઉપરાંત નાણાં લીધાની જે પહોંચ આપવામાં આવે છે તેમાં જીએસટી નંબર પણ નથી. જે પેકિંગ આપવામાં આવે છે તેમાં લાયસન્સ મુજબના સ્ટ્રેઈન નંબર સહિતની વિગતો હોતી નથી. પેસ્ટીસાઈડ એક્ટ મુજબ આ કાનુની અપરાધ ગણાય છે.

અધિકારીની મૌખિક સૂચનાથી વેંચાણ શરૂ કર્યું છેઃ પેથોલોજી વિભાગ

આ સમગ્ર મામલે પાઉડરનું વેંચાણ કરનાર કૃષિ યુનિવર્સિટીના પેથોલોજી વિભાગના હેડ કે.કે. કણઝારીયાએ જણાવ્યું હતું કે, 'અમારી યુનિ. પાસે ટ્રાયકોડર્મા પાઉડર વેંચાણ માટેના નિયમ મુજબ જે લાયસન્સ જોઈએ તે નથી. અમે લાયસન્સ માટે એપ્લાય થયા છીએ, હજુ સુધી લાયસન્સ મળ્યું નથી. અમને અમારા ઉચ્ચ અધિકારીએ મૌખિક કહ્યું હોવાથી વેંચાણ કરવામાં આવી રહ્યું છે.'

ગેરકાયદે વેંચાણ તાત્કાલિક બંધ કરાવશું : નાયબ ખેતી નિયામક

પેસ્ટીસાઈડ એક્ટ મુજબની અમલવારી કરાવવાની જેની જવાબદારી છે તે નાયબ ખેતી નિયામક ખેતી વિસ્તરણ વિભાગના અધિકારી ગધેસરીયાએ જણાવ્યું હતું કે, લાયસન્સ વગર આ પાઉડર વેંચવો એ ગુનો છે. અમે તપાસ કરાવી તાત્કાલિક તેને બંધ કરાવી દઈશું પરંતુ હકીકતે જો અન્ય કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરે તો નિયમ મુજબ તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates