જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ડિપ્લોમા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

26-06-2025

Top News

યુનિવર્સિટી હેઠળ ધોરણ 10 પછી વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ધોરણ ૧૦ પછી વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ડીપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ આજરોજ તારીખ ૨૬ જૂનના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વી.પી.ચોવટીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

તેમજ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢના ચેરમેન શ્રી.જે.કે.ઠેસીયા, મુખ્ય મહેમાનની પ્રેરક ઉપસ્થિતમાં બાગાયત મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના યજમાન પદે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંશોધન નિયામક ડૉ.એ.જી.પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એન.બી.જાદવ, નિયામક વિધાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડૉ.આર.બી.સોલંકી તેમજ વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ અને ડીનશ્રીઓ, પોલીટેકનીકના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉક્ત કાર્યક્રમમાં કુલપતિ ડૉ.વી.પી.ચોવટીયાએ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે આગવું પ્રદાન આપી દેશના ખેડૂતોના આર્થિક વિકાસ થકી આત્મનિર્ભર કૃષકથી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવા યોગદાન આપવા આહવાન કર્યુ હતું. વધુમાં તેઓશ્રીએ પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ શ્રી. જે.કે.ઠેસીયા દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

જ્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. વાય.એચ.ઘેલાણીએ પોલીટેકનીકના ઈતિહાસથી આજ સુધી વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ અને તેમના દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓની ઝલક આપી હતી અને વિદ્યાર્થીઓને આગળની ઉજવળ કારર્કિદી માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જુદી- જુદી પોલીટેકનીક કોલેજોના કુલ ૧૪૮ જેટલા વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર હાજર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

સમારોહના અંતે બાગાયત કોલેજના આચાર્ય અને ડીન, ડૉ.ડી.કે.વરૂએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે સમગ્ર રીતે સફળ અને સુચારૂ આયોજન બદલ બાગાયત મહાવિદ્યાલય અને બાગાયત પોલીટેકનીકના સ્ટાફગણે યોગદાન આપ્યું હતું. તેમ શ્રી ડો.એન.બી.જાદવ, ડિરેક્ટર ઓફ એક્સટેંશન એજ્યુકેશન, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates