અમરેલી, જૂનાગઢ, સોમનાથ જિલ્લામાં મિની વાવાઝોડું: વૃક્ષો-વીજપોલ તૂટ્યા
24-05-2025
ઝંઝાવાતી ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસવાની ત હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોર બાદ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં મિનિ વાવાઝોડાં સાથે ઝંઝાવાતી ઝાપટાંથી લઈને ત્રણ ઈચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ૭૦-૮૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન સાથેના વરસાદથી ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ઠેર-ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ જતાં વીજ પુરવઠો ખોરવાઈ જવા સાથે અનેક માર્ગો બંધ થયા હતા. અનેક સ્થળોએ હોર્ડિંગ્સ-પતરાં-બેનરો ઉડયા હતા. સદનશીબે કોઈ જાનહાની થઈ નહોતી.
અમરેલી જિલ્લામાં આજે સતત બીજા દિવસ પણ ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડયો હતો. અમરેલી શહેરમાં આજે તોફાની પવન અને ગાજવીજ સાથે ત્રણ ઈથ જેવા, વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. જેશીંગપરામાં ગોઠણડૂબ પાણી જોવા મળ્યું હતું. અમરેલી તાલુકાના વડેરા, નાના ભંડારીયા, સરંભડા, ગાવડકા સહિતના ગામોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો.
જ્યારે લાઠીમાં ધોધમાર દોઢ ઇંચ અને ગ્રામ્ય પંથકમાં એક-બે ઈંચ જેવો તોફાની વરસાદ ખાબકયો હતો. વડીયામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. અમરેલીથી કુંકાવાવ જતો સ્ટેટ હાઈવે ભારે વરસાદથી પ્રભાવિત થયો હતો. નાના ભંડારીયા નજીક વૃક્ષો ધરાશાયી થવાના કારણે માર્ગ બંધ થતાં ફાયર ટીમ દોડી આવી પહોંચી હતી અને વૃક્ષો હટાવવાની કામગીરી શરુ કરી હતી. બગસરામાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. બગસરા હાઇવે પર ગાવડકા ચોકડી નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હોવાથી સ્ટેટ હાઇવે પર વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. લાઠી પંથકમાં ધોધમાર વરસાદ સાથે મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું. લાઠી-ચાવંડ હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. લાઠી-ચાંવડ હાઈવે પર આવેલી ઓઈલ મીલના પતરા ઉડયા હતા. વડીયામાં પણ વૃક્ષો પડી ગયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં આજે વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા, પ્રભાસ પાટણમાં સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવવા સાથે ભારે પવન સાથે અડધો કલાકમાં એક ઈચ જેટલો વરસાદ પડયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં મિનિ વાવાઝોડા જેવા માહોલ છવાયો હતો. વેરાવળમાં રાજેન્દ્ર ભવન રોડ, મુખ્ય બજારના નાકે તેમજ બસ સ્ટેન્ડ રોડ ઉપર બન્ને સાઈડમાં પાણી ભરાઈ ગયા હતા. વેરાવળમાં વીજ સબ સ્ટેશનમાં ભડકો થતા અડધા વિસ્તારમાં લાઈટ બંધ થઈ ગઈ હતી. કાજલી-પ્રાસંલી માર્કેટીંગ યાર્ડ તા.૨૫ સુધી બંધ રાખવામાં આવ્યું છે. પ્રભાસ પાટણમાં શીવ પોલીસ ચૌકી પાસે જાહેર રોડ પર તોતીંગ વૃક્ષ ધરાશાયી થઈ જતાં બે રિક્ષા, પાંચ બાઈક-સ્કૂટર અને રેકંડી-કેબિનો દબાઈ ગયા હતા. સદનશીબે જાનહાની ટળી હતી.