કમોસમી વરસાદથી પલળી ગયેલો ડાંગર રસ્તા ઉપર સુકવવા મુકાયો
17-05-2025
ડાંગર વરસાદના પાણીથી ભીંજાઈ જતાં હવે ખેડૂતો પાસે એકમાત્ર રસ્તો
સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પરિશ્રમ ઉપર પાણી ફેરવી દીધું છે. બાગાયતી પાકોની સાથોસાથ ખરીફ પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. ખેતરોમાં કાપણી માટે તૈયાર ડાંગર વરસાદના પાણીથી ભીંજાઈ જતાં હવે ખેડૂતોએ તેને રસ્તા ઉપર તાડપત્રી પાથરી સુકવવાની ફરજ પડી છે. સુરત જિલ્લાના ચોર્યાસી, વ ઓલપાડ, બારડોલી, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં ડાંગર રસ્તા ઉપર પાથરેલો જોવા મળી રહ્યો છે.
સુરત જિલ્લાના ચોર્યાસી,ઓલપાડ, બારડોલી, મહુવા, માંગરોળની કૂલ ૮૦ હજાર એકર જમીનમાં ઉનાળું ડાંગરની ખેતી થાય છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાયું છે. ગત સપ્તાહે વાદળછાયા વાતાવરણ અને ભારે પવન વચ્ચે વરસાદ વરસી ગયો. આ કમોસમી વરસાદને કારણે કેરી અને જાંબુ સહિતના બાગાયતી પાકોને નુકશાન થયું. ખેતરમાં ઊભેલા માત્ર બાગાયતી પાકો જ નહીં ખરીફ પાક પણ ધોવાઈ ગયો. સુરત જિલ્લામાં ઉનાળું ડાંગરની ખેતી કરનારા ખેડૂતોની સંખ્યા વધી રહી છે. આજે જિલ્લામાં ૮૦ હજાર એકર જમીનમાં ઉનાળું ડાંગરની ખેતી થઈ રહી છે.
મે મહિનાના અંતમાં પાક તૈયાર થઈ કાપણી શરૂ થાય તે પહેલા જ માવઠું પડતા ખેડૂતોની દશા બેસી ગઈ. ડાંગર પાણીથી લથપથ થઈ જતાં ખેડૂતો ચિંતાતૂર થઈ ગયા. ધરતીપૂત્રોએ રાતોરાત ડાંગરની કાપણી શરૂ કરવાની ફરજ પડી. ટન બંધ પાક રાતોરાત પલળી જઈ ભીંનો થતાં નુકશાન થવાથી આશંકાએ ખેડૂતો અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ ગયા. ચાર દિવસ બાદ હવામાનમાં પલટો આવતા જિલ્લાના મોટાભાગના ખેડૂતએ તાત્કાલિક અસરથી ડાંગરની કાપણી શરૂ કરવી પડી. પરાળમાંથી ડાંગર છૂટી કરી ગામના ખુલ્લા મેદાનમાં, મંદિર પરિસરમાં જાહેર સુકવવાની ફરજ પડી રહી છે.
સુરતમાં ડાંગરનો દાણો જાડો હોવાથી પૌંઆ અને મમરા બનાવવામાં મહત્તમ ઉપયોગ થાય છે
દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન જયેશ પટેલ (દેલાડ)એ કહ્યું કે, સુરત જિલ્લામાં અગાઉ ઉનાળાના સમયમાં માત્ર વીસ હજાર એકરમાં ડાંગરનો પાક લેવાતો હતો. પણ કેટલાક વર્ષોથી ઉકાઈ ડેમ છલોછલ ભરાતા સિંચાઈ માટે પુરતું પાણી મળતું હોવાથી જિલ્લાના ખેડૂતો હવે ઉનાળું ડાંગરની પણ વાવણી કરી રહ્યાં છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકની કાપણી શરૂ થાય તે પહેલા જ વરસાદ પડી ચૂક્યો છે. આથી ભીંનો ડાંગર સુકવવા માટે અન્ય કોઈ વ્યવસ્થા નહીં હોય જાહેર રસ્તા ઉપર તાડપત્રી પાથરી ડાંગર સુકવવા ખેડૂતો મજબૂર થયા છે. સુરત જિલ્લામાં ડાંગરનો દાણો જાડો હોય તેમાંથી ચોખાને બદલે પૌઆ અને મમરા બનાવવામાં આવી રહ્યાં છે.