વાવણીમાં વેગઃ જેઠમાસમાં મગફળીનું ગત વર્ષથી ત્રણ ગણુ વાવેતર થઈ ગયું

26-06-2025

Top News

સૌરાષ્ટ્રમાં સપ્તાહમાં 13.42 લાખ હે.માં બીજ રોપી દેવાયાં

ગુજરાતમાં આ વર્ષે જૂન માસમાં જ સચરાચર વાવણીલાયક વરસાદ વરસી જતા અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ત્રણેક દિવસથી ભારે વરસાદનો વિરામ રહેતા વાવણી વેગવંતી બની છે. ગત એક સપ્તાહમાં રાજ્યમાં આશરે ૧૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં સૌરાષ્ટ્રમાં ૧૩.૪૨ લાખ હે.માં બીજ રોપી દેવાયા છે. મગફળી અને કપાસના વાવેતરમાં ખેડૂતોએ ખૂબ ઉત્સાહ દાખવ્યો છે અને ગત વર્ષ કરતા મગફળીનું ત્રણ ગણુ વાવેતર થયું છે તો કપાસનું વાવેતર પણ નોંધપાત્ર વધ્યું છે.

આરંભે કપાસનું વાવેતર પણ નોંધપાત્ર વધ્યું, રાજ્યમાં કુલ ૧૮.૩૦ લાખ હેક્ટર પૈકી ૮૯ ટકા વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં

કૃષિ વિભાગના અદ્યતન અહેવાલ મૂજબ રાજ્યમાં તા.૧૬ જૂન સુધીના સપ્તાહમાં ૩.૪૧ લાખ હેક્ટરમાં (૪ ટકા) વાવેતર થયું હતું, તા.૧૬ જૂનથી વ્યાપક ધોધમાર વરસાદ અને સૌરાષ્ટ્રમાં હાલ એકંદરે ઉઘાડના પગલે તા.૨૩ જૂન સુધીના સપ્તાહમાં ૧૮.૩૦ લાખ હેક્ટરમાં (૨૧ ટકા) વાવેતર થઈ ગયું છે. જો કે રાજ્યના કૂલ વાવેતરમાં ૮૯ ટકા એટલે કે ૧૬.૨૨ લાખ હેક્ટરનું વાવેતર માત્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં અને તે પણ મુખ્યત્વે કપાસ, મગફળીનું થયું છે.

આ વર્ષે મગફળીનો ૫૧ લાખ ટન રેકોર્ડ પાક થયો હતો ત્યારે આ વર્ષે પણ મગફળીનું વાવેતરમાં જબરદસ્ત ઉત્સાહ વર્તાયો છે. ગત વર્ષે આજ સુધીાં ૩.૨૪ લાખ હેક્ટર સામે આ વર્ષે ૯.૦૬ લાખ હેક્ટર જમીન ખેડીને મગફળીનું બિયારણ રોપી દેવાયું છે. એટલે કે પર ટકા વાવણી તો આરંભે જ થઈ ગઈ છે. તો કપાસનું વાવેતર પણ ગત વર્ષે ૫.૮૦ લાખ હેક્ટર સામે આ વર્ષે ૭.૫૮ લાખ હેક્ટર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના આ બન્ને મુખ્ય કૃષિપાકો છે. મગફળી કપાસ સિવાયના આ ખરીફ ઋતુના અન્ય પાકો ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, મઠ, અડદ, તલ, દિવેલા, સોયાબીન વગેરેમાં હજુ સુસ્તી જણાય છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates