તાપીના છેવાડાના નિઝર પંથકમાં સમી સાંજે ગાજવીજ સાથે કમોસમી વરસાદ
17-05-2025
દિવસભરના ઉકળાટથી લોકોને રાહત મળી
તાપી જિલ્લાના છેવાડાના નિઝર પંથકમા શુક્રવારે સમી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પાણી પાણી થયા હતા.જેથી લોકોને દિવસભરના ગરમીના ઉકળાટથી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદથી ખેતીપાક ને નુકસાન થશે.
ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાયાઃ ઉચ્છલમાં પણ ઠંડા પવન ફૂંકાયા
નિઝર અને કુકારમુંડા તાલુકામાં ત્રણ દિવસ પહેલા સતત બે દિવસ સમી સાંજે વરસાદ પડ્યો હતો. અને રસ્તાના ખાબોચિયા ભરાયા હતા. એ જ રીતે ફરી આજે શુક્રવારે સમી સાંજે નિઝર તાલુકા જોરદાર ગાજવીજ થઇ હતી. ત્યારબાદ જોરદાર વરસાદ શરૂ થયો હતો. જોરથી પડેલા વરસાદી ઝાપટાને કારણે રસ્તા પણ પાણી નણી થયા હતા.
તો નાના-મોટા ખાબોચિયા પાણીથી ભરાઈ ગયા હતા. મુખ્ય મથક નિઝર સહિત આસપાસના કેટલાક ગામોમાં પણ વરસાદ રહેતા ખેતી પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે. જોકે, દિવસ દરમિયાન ગરમીનો બાફ રહેતા લોકો ભારે પરેશાન થયા હતા. પરંતુ સાંજે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો. અને ઠંડકનો અહેસાસ થયો હતો. મોડી સાંજે ઉચ્છલ પંથકમાં પણ ઠંડો પવન નીકળતા લોકોએ વરસાદ પાડવાની આશા વ્યક્ત કરી હતી. જિલ્લા મથક વ્યારા સહિત અન્ય તાલુકાઓમાં ગરમી રહેતા લોકો ઉકળાટ-બફારાથી પરેશાન થયા હતા.